અમદાવાદ: પોલીસ કમિશ્નર એ.કે.સિંઘની દિલ્હીમાં બદલી, નેશનલ સિક્ટોરિટી ગાર્ડના ડાયરેક્ટર જનરલ તરીકે કરાઈ નિમણૂંક
અમદાવાદના પોલીસ કમિશ્નર અને ગુજરાત કેડરના 1985ના બેચના IPS એ.કે. સિંઘની દિલ્હીમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ના ડાયરેક્ટર જનરલ (DG)તરીકે નિયુક્તિ કરાઈ છે. નેશનલ સિક્યુરિટી ગાર્ડમાં DG તરીકે નિયુક્તિ થતાં CID ક્રાઈમના વડા આશિષ ભાટિયા અમદાવાદ પોલીસ કમિશનર બને તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.અમદાવાદમાં ટ્રાફિક ડ્રાઈવ બાદ અમદાવાદ પોલીસ કમિશનર એ.કે. સિંઘને ડેપ્યુટેશન પર મોકલવાની ચર્ચાઓ ચાલતી હતી. જોકે એ.કે.સિંઘની દિલ્હીમાં બદલી કરાઈ છે. સિનિયર IPS અને 1985ની બેચના એ.કે સિંઘ આગામી વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં વય મર્યાદાને કારણે નિવૃત થઈ રહ્યા છે.
હાલના ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝા બાદ સૌથી સીનિયર મોસ્ટ આઈપીએસ તરીકે એ.કે. સિંઘ આવતા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટના નિયમ અનુસાર તેઓ ડીજી બનવા માટે એક મહિનો ઓછો પડતો હોવાથી કેન્દ્રીય ગૃહમંત્રાલયે તેમને દિલ્હી ખાતે પ્રતિનિયુક્તીનો હુકમ કર્યો છે.
અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંઘની 30-9-2020 સુધી એટલે કે એક વર્ષ માટે NSGના ડીજી તરીકે નિમણૂંક કરાઈ છે. કેન્દ્રમાં પણ એ કે સિંઘને બહોળો અનુભવ છે. કેન્દ્રમાં અગાઉ તેઓ સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ના ડીઆઈજી પણ રહી ચૂક્યા છે.

Comments
Post a Comment